અર્જુન મોઢવાડિયાએ બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ પર થયેલા લાઠી ચાર્જને વખોડ્યો - અર્જુન મોઢવાડિયા
પોરબંદર: ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ભરતી માટે ચાર હજાર જગ્યા ખાલી હતી. જેમાં 10 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા સમયના બાર વાગ્યાના એક કલાક પહેલાં જ પેપર ફૂટી ગયું હતું અને CCTV ફૂટેજમાં પુરાવાઓ પણ છે. જેનો વિરોધ બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે. ગાંધીનગરમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓને ન્યાય મળવાને બદલે તેના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો અને તેઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને વખોડતા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. જો વિદ્યાર્થીઓની માંગણી નહીં સંતોષવામાં આવી તો સરકારને ચેતવણી આપવામાં આવે છે કે, આગામી સમયમાં સચિવાલયનો ઘેરાવ કરવામાં આવશે અને યુવાનોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવશે.