વાઈબ્રન્ટ ગુજરાતના વૈભવગાન વચ્ચે વરવી વાસ્તવિકતા, બાળકો પ્રભુના શરણમાં લઇ રહ્યા છે શિક્ષણ - Tapi
સુરત: જિલ્લાના મહુવા તાલુકાની એક એવી પ્રાથમિક શાળા કે જેના બાળકો શાળાના ઓરડામાં નહિ પરંતુ ભગવાનની શરણમાં એક મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળા જર્જરિત હોવાથી અને વરસાદી પાણી ટપકતા હોવાથી સમસ્યા સર્જાઇ છે.આ બાળકો મંદિરમાં દફતર સાથે કોઈ પ્રાર્થના કે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નથી આવ્યા પરંતુ અભ્યાસ કરવા આવ્યા છે. સામાન્ય રીતે મંદિરમાં પ્રભુ દર્શન માટે અને અભ્યાસ માટે શાળામાં જવાનું હોય છે પરંતુ આપને નવાઇ લાગતી હશે કે તો પછી આ બાળકો શાળાની બદલે મંદિરમાં કેમ અભ્યાસ કરે છે? તંત્રની નિષ્ફળ કામગીરીના પાપે બાળકો ભગવાનની શરણમાં શિક્ષણ મેળવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા તો છે પરંતુ શાળાના ઓરડા જર્જરિત હોવાથી અને વરસાદમાં પાણી ટપકતા બાળકોને અભ્યાસમાં પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તેથી બાળકોને ગામમાં જ આવેલા મંદિરમાં આસરો લેવો પડ્યો હતો.