ગાંધી જયંતિએ સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ જાહેર ન કરાતા વડોદરામાં ખાદી વેચાણમાં 75 ટકા ફટકો - ખાદી ગ્રામદ્યોગે સ્ટાફ
વડોદરા: કોરોના મહામારીમાં ગાંધી જયંતિ પૂર્વે વળતરની ન થયેલી જાહેરાતના કારણે આ વખતે ખાદીની ખરીદીમાં 75 ટકા જેટલું વેચાણ ઓછું છે. વર્ષ-2019માં ગાંધી જયંતિના દિવસે જ રૂપિયા 30 લાખનું વેચાણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે દર વર્ષે 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ પહેલાં જ ખાદીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે જાહેર કરવામાં ન આવતા ગાંધી જયંતિના દિવસે ખાદીની ખરીદીમાં 75 ટકા જેટલો ફટકો પડ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે 5 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખાદીમાં 30 ટકા વળતરની જાહેરાત કરી છે. પરંતુ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ખાદી ખરીદનારાઓ ગાંધી જયંતિના દિવસથી 3 દિવસ સુધી ખાદી ખરીદી શકે તે માટે પોતાના સ્ટાફ સહાય ફંડમાંથી 20 ટકા વળતર આપવાનું શરૂ કર્યું છે. જેથી ગાંધી જયંતિના દિવસે ખાદી ખરીદનારાઓ ખાદી ખરીદવા માટે પહોંચી ગયા હતા.