મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં આગ લાગતા એક કરોડનું નુકસાન, ખેડૂતોને નુકસાન નહીં થાય તેવી રાજ્યપ્રધાનની ખાતરી - ખેડૂતોને આર્થિક નુકસાન
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના કારણે એકાદ કરોડ રૂપિયાનું નુકસાન જવાની સંભાવના છે. જોકે, આ આગને કાબૂમાં લેવા માટે મોરબી ફાયરની 3 ટીમ અને રાજકોટની ફાયરની 4 ટીમ મહેનત કરી હતી. બીજી તરફ આગના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ પટેલ સહિતના કોંગી નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથે જ તેમણે ફાયર સેફ્ટીના સાધનોના અભાવ અંગે સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. તો રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતોને આર્થિક નુકસાન નહીં થાય તેવી ખાતરી આપી હતી. સાથે જ તેમણે કોંગ્રેસને વળતો જવાબ પણ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, માર્કેટિંગ યાર્ડના કપાસના શેડમાં આગ લાગતા શેડમાં માલની આવક સદંતર બંધ કરવામાં આવી છે. એટલે કે હવે ખેડૂતો દિવાળી પછી માલ લઈને આવી શકશે.