ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીને પાર, કાંઠા વિસ્તારનાં ૨૦ ગામોમાં એલર્ટ - ઝુપડપટ્ટીઓમાં નદીના પાણી ઘુસી ગયા
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે નદી કાંઠાનાં ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો એન.ડી.આર.એફ.ની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નર્મદા ડેમના દરવાજા ખોલી ૪ લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થતા ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીએ તેની ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે અને નર્મદા નદીના જળ સ્તર ૨૬ ફૂટને પણ પાર પહોચ્યા છે. જેના કારણે નર્મદા નદી કિનારે આવેલ ઝુપડપટ્ટીઓમાં નદીના પાણી ઘુસી ગયા હતા. જ્યાંથી ૮૦ જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતું. તો નદી કિનારે આવેલા ૨૦ ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. આ તરફ ભારે પુરની પરિસ્થિતિને પહોચી વળવા એન.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.