મોરબીમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું - corona positive case registrar
મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે મંગળવાના રોજ વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પુનીતનગરના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જયારે મોરબીના ડોક્ટરનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી સોમવારના રોજ લેવાયેલ સેમ્પલ પૈકી મોરબીના પુનીતનગરના રહેવાસી 38 વર્ષના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આ દર્દીની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. દર્દી હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, તો દર્દીના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે. કોરોના પોઝિટિવ દર્દીને અન્ય કોઈ મોટી બીમારી પણ ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જયારે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબીના અવની ચોકડી વિસ્તારના રહેવાસી અને રંગપર બેલા રોડ પર પ્રેક્ટીસ કરતા 25 વર્ષના ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે ડોક્ટરની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.