રાદડિયા વગર ધડૂક ભાજપને ધક્કો આપશે, કે પછી વસોયા વિજયી બનશે?
પોરબંદરઃ સુદામાની કર્મભૂમિ અને ગાંધીજીની જન્મભૂમિ તરીકેની ઓળખાતું પોરબંદર હવે બદલાઈ રહ્યું છે. મેર અને ખારવા જેવી સાગરખેડુ પ્રજાનું પ્રભુત્વ ધરાવતી પોરબંદર બેઠકમાં નવા સીમાંકનથી રાજકોટ-જૂનાગઢ જિલ્લાનો કેટલોક ભાગ ઉમેરાયો છે. અહીં પક્ષ કરતાં ઉમેદવારની શાખ પર ધ્યાન આપવાનો ટ્રેન્ડ રહ્યો છે. અહીં જૂનાગઢ-રાજકોટ જિલ્લાના વિસ્તારમાં કડવા અને લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે, જ્યારે પોરબંદર અને કુતિયાણામાં મેર સમાજની જનસંખ્યા છે. વિઠ્ઠલ રાદડિયાની ખરાબ તબિયતને કારણે ભાજપે રમેશ ધડુકને ઉમેદવાર બનાવ્યાં છે. ધડુક ચૂંટણીકારણમાં નવા છે. જેથી રાદડિયા પરિવારનું સમર્થન અનિવાર્ય રહેશે. બીજી તરફ કોંગ્રેસે અહીં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ઉતાર્યા છે. પાટીદાર અને ખેડૂતોની સરકાર વિરોધી લાગણી વસોયાને ફળે, તો નવાઈ નહીં. અહીં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન શક્ય બન્યું તો રેશમા પટેલ પાછલા બારણે સમર્થન કરી શકે છે. રાદડિયાની હાજરીમાં આસાન ગણાતી આ બેઠક પર કસોકસની હરિફાઈ થઈ શકે છે.