ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાંતલપુરના રણકાંઠાના ગામોમાં તીડના ઝૂંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા

By

Published : Jun 8, 2020, 7:41 PM IST

પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકામાં રણકાંઠે આવેલા ગામોમાં તીડના ઝૂંડ દેખાયા હતા. રણ તરફથી આકાશમાર્ગે આવેલા તીડના ટોળા ખેતરમાં ઉતર્યા હતા, પરંતુ ખેડૂતોએ ખેતરમાં ઉતરેલા તીડના ઝૂંડને ઉડાડ્યા હતા. તીડના ટોળા આવ્યાના સમાચાર મળતાં રાધનપુરથી ખેતીવાડી ટીમના અધિકારીઓએ તીડગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. રણકાંઠે આવેલા સાંતલપુર તાલુકાના ધોકાવાડા, એવાલ અને ચારણકા ગામમાં રણ તરફથી આવેલા તીડના ટોળા આકાશમાં દેખાયા હતા. તાલુકામાં ચાલુ વર્ષે ત્રીજીવાર તીડના આક્રમણ થતાં આ વિસ્તારના ખેડૂતોમાં ભારે પરેશાની જોવા મળી હતી. કચ્છના મોટા રણમાં તરફથી આકાશમાર્ગે આવેલા પાકિસ્તાની તીડ ધોકાવાડા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ઉતર્યા હતા. ખેતરોમાં તીડના ટોળા ઉતર્યાના સમાચાર મળતાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઇને તીડને ઉડાડયા હતા. સાંતલપુર તાલુકાના ગામોમાં તીડના આક્રમણના સમાચાર રાધનપુર ખેતીવાડી અધિકારીને મળતા તેઓએ તાત્કાલિક એક ટીમ બનાવી તીડગ્રસ્ત વિસ્તારમાં રવાના કરી હતી. ખેતીવાડીની ટીમ દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, બપોર બાદ તીડના ટોળા ફરી રણ તરફ દોડી ગયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ખેતરમાં કોઇપણ પાક ન હોવાથી તીડને ખાવાનું ન મળવાને કારણે પાછા રણ તરફ જતા રહ્યા હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details