કારતક પૂર્ણિમા દિવ્ય સંયોગ: સોમનાથમાં શિવલિંગ, ધ્વજ અને ચંદ્રનો ત્રિવેણી સંગમ
સોમનાથઃ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે બુધવારે રાત્રીના 12 કલાકે અદભુત નજારો જોવા મળ્યો હતો. બુધવારે કારતક પૂનમની રાત્રે ચંદ્ર, સોમનાથ મંદિરનાં શિખરનું ત્રિશુલ અને સોમનાથ શિવલિંગ એક જ ક્ષિતિજમાં આવ્યું હતું. પ્રતિ વર્ષ માત્ર એક જ દિવસ કારતક પૂનમની રાત્રીએ આ સંયોગ રચાય છે. આ સંયોગનાં તેમજ સોમનાથ મહાદેવનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. વર્ષમાં એક જ વાર થોડા સમય માટે બનતા આ સંયોગનાં દર્શનાર્થે અનેક ભાવિકો સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચ્યા હતા. આ અદભુત દ્રશ્ય અને સોમનાથ દાદાનાં દર્શન કરી સેંકડો લોકો ધન્ય બન્યા હતા.