પંચમહાલના સુપ્રસિદ્ધ મહેશ્વરી માતાના મંદિરે જન્માષ્ટમીનો મેળો ભરાયો - પંચમહાલ
પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે મહેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં શિવ-પાર્વતીની પ્રતિમા એક સાથે જોડાયેલી હોવાથી તે અર્ધનારેશ્વર તરીકે ઓળખાય છે. એવી પણ લોકવાયકા છે કે, આ ગુજરાતનું એકમાત્ર અર્ધનારેશ્વરનું મંદિર છે. ઊંચી પથ્થરોની શિલાઓમાં આવેલું આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગામની તળેટીમાંથી દ્રશ્ય જોતા એકબીજા ઉપર ગોઠવાયેલા વિશાળ પથ્થરો અહીંના સૌ કોઈને આશ્ચર્યચકિત કરે છે. તળેટીમાંથી લગભગ 200 જેટલા પગથિયા ચડીને પથ્થરોની વિશાળ ટેકરી પર પહોંચતા અહીં મહેશ્વરી માતાના મંદિરના દર્શન થાય છે. મહેશ્વરી માતાની પ્રતિમા પથ્થરની અંદર એક ગુફામાં આવેલી છે. જન્માષ્ટમી હોવાથી અહીં મેળો ભરાયો હતો. અહીં લોકવાયકા પણ પ્રચલિત છે કે, પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં થોડોક સમય વસવાટ કર્યો હતો. આ મંદિરની પાછળના ભાગે બે મોટા પથ્થરો આવેલા છે. આ પત્થરોને બે બાપની બારી કહેવામાં આવે છે. જેમાંથી નાનાથી મોટા શરીરવાળો માણસ પસાર થઈ જાય છે. અહીંથી આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી શકાય છે.