વડતાલધામ ખાતે ઉલ્લાસપૂર્ણ માહોલમાં જલઝીલણી મહોત્સવ યોજાયો
ખેડા: વડતાલધામ ખાતે સોમવારે રંગેચંગે જલઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નિજ મંદિરથી ગોમતી સુધી વાજતે ગાજતે નગરયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. વડતાલધામમાં જલઝીલણી મહોત્સવનું ભક્તિભાવપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલધામમાં 190 વર્ષથી જલઝીલણી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં નિજ મંદિરથી ગોમતી સુધી વાજતેગાજતે નગરયાત્રા યોજવામાં આવી હતી. આચાર્ય મહારાજ અને વરિષ્ઠ સંતો અને હરિભકતો દ્વારા ગણપતિ તથા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારી બંને દેવોને હોડીમાં બેસાડી નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. 25 ઉપરાંત ગામોના હજારો ભાવિકો ભજનમંડળીઓ સાથે ઉમંગભેર ઉમટી પડ્યા હતા. વડતાલ ફરતેના લોકો સહીત હરિભક્તો અને ભાવિકો આ જલઝીલણી મેળો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.