બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા અધિક નિવાસી કલેક્ટરે પણ જિલ્લાના તમામ અધિકારીઓને ચાર દિવસ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને વરસાદને લઇ એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. ચાલુ વર્ષે અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ જિલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઇ છે પરંતુ ખેડૂતોને આ વરસાદથી કોઈ ફાયદો થઇ શકે તેમ નથી.