વડોદરાના વાડી હનુમાનની પોળમાં ત્રીજા માળે આવેલા મકાનમાં લાગી આગ, યુવાનનું મોત - શ્રીજીધામ કોમ્પ્લેક્સ
વડોદરાઃ શહેરના વાડી વિસ્તારમાં આવેલ હનુમાનપોળના શ્રીજીધામ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રહેતાં કનૈયાલાલ પરદેશીના મકાનમાં આગ લાગી હતી. જે બનાવ અંગેની જાણ ગાજરાવાડી ફાયર સ્ટેશનને થતાં જ ફાયરબ્રિગેડના લશ્કરો તુરંત જ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરી હતી. આગની ઘટનાને પગલે પોલીસ અને મધ્યગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ બુઝાવી હતી. જોકે,આગ બુઝાયા બાદ મકાનમાંથી 28 વર્ષીય સતીષ પરદેશીનો મૃતદેહ મળી આવ્યો હતો. આગનું કારણ હજી જાણી શકાયું નથી. જોકે,પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.