બનાસકાંઠાના શિહોરી પાસે અકસ્માત, ડમ્પર ચાલકની અડફેટે 4 ઊંટના મોત - ચાર ઊંટના ઘટનાસ્થળે મોત
બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિહોરી નજીક એક અકસ્માતમાં 4 ઊંટના મોત થયા છે. શિહોરી કંબોઈ રોડ પરથી ચાર ઊંટ પસાર થઈ રહ્યાં હતા. જે દરમિયાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ચાલકે પસાર થઇ રહેલા ચારેય ઊંટને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 ઊંટના મોત થયા છે. ઓવરલોડ રેતી ભરી હોવાના કારણે ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. આ બનાવના કારણે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. 4 ઊંટના મોત થતા માલિકને મોટું નુકસાન વેઠવું પડયું છે. ઉલ્લેખનીય છે કે, આ રોડ પરથી રોજબરોજ અસંખ્ય ડમ્પર ચાલકો ઓવરલોડ રેતી ભરીને પસાર થાય છે. જેના કારણે આવા નાના-મોટા અકસ્માતો થતા રહે છે. ત્યારે તંત્ર ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને બેફામ ચાલતા ડમ્પરો ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકની માગ છે.