નડિયાદમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ખેડાઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી ખાતે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા કલેકટરએ જણાવ્યું હતું કે,વ્યસ્તતાના કારણે વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં તેઓનું નામ નોંધાવવા પ્રત્યે ઉદાસીનતા સેવતા હોય છે. આ ઉદાસીનતા દૂર કરી દરેક મતદાનને લાયક વ્યકિતએ તેમનું નામ મતદાર યાદીમાં ફરજીયાતપણે નોંધાવવુ જ જોઇએ અને ચુંટણીની પ્રક્રિયામાં અવશ્ય ભાગ લેવો જોઇએ. તો જ તંદુરસ્ત લોકશાહી જીવંત રહી શકે. આ સાથે જિલ્લા કલેક્ટરે તમામને 16 ડિસેમ્બરથી એક મહિના સુધી ચાલનારા મતદાર નોંધણી ઝુંબેશમાં પોતાનું નામ નોંધાવવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ઉમંગ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે, ચૂંટણી શાખાના મામલતદાર મનીષા સોની, નડિયાદ સીટી મામલતદાર પ્રકાશ ક્રિસ્ટી, અંજલી ઠાકુર, કોલેજના આચાર્ય અને ફેકલ્ટી નિષ્ણાંતો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.