દાહોદમાં પ્રાથમિક શિક્ષકના ઘરેથી લાખોનો દારૂ ઝડપાયો, શિક્ષકની ધરપકડ - મોટાનટવા
દાહોદઃ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટાનટવા ગામે રહેતા હડિયાભાઈ બામણીયા હોળીના તહેવાર નિમિત્તે પંથકમાં વિદેશી દારૂની માંગની બોલબાલા રહેતી હોવાના કારણે થોડા સમયમાં વધુ રૂપિયા કમાઈ લેવા માટે તેમના ઘરે દારૂનો જથ્થો ભેગો કર્યો હતો, જિલ્લા પોલીસ વડાને બાતમી મળતા તાત્કાલિક પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હડિયા ભાઈના ઘરે પોલીસે છાપો માર્યો હતો. જેમાં પ્રાથમિક શિક્ષક હડિયાભાઈ બામણીયાના રહેણાંક મકાન તથા ખેતરમાં જમીનમાં દાટેલો વિદેશી દારૂના કોટરીયા તથા બિયર મોટી સંખ્યામાં મળી આવ્યો હતો. મળેલ મુદ્દામાલમાં વિદેશી દારૂનો બે લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. ટૂંક સમયમાં હોળીનો તહેવાર આવતો હોવાથી દારૂનો વેપલો કરવા માટે જથ્થો સંગ્રહિત થયો હોવાની પોલીસને બાતમી મળી હતી, તેમજ જથ્થો ઝડપી પાડવામાં સુખસર પોલીસને સફળતા મળી હતી, પોલીસે શિક્ષકની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇ અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.