દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 30મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે - કોંગ્રેસ
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો શુક્રવાર છેલ્લો દિવસ હતો. શુક્રવારે લોકસભા ચૂંટણી માટે ભાજપના મહેશ ગાંવિત, શિવસેનાના કલાબેન ડેલકર અને કોંગ્રેસમાંથી મહેશ ધોડીએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી આ ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને કોંગ્રેસ ત્રણ પક્ષોમાંથી શિવસેના અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે. સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર અહીં શિવસેના તરફથી ચૂંટણી લડી રહ્યા છે. સ્વર્ગીય મોહન ડેલકર આ પ્રદેશમાં 7 ટર્મના સાંસદ હતાં. જેમના નિધન બાદ હાલ પેટા ચૂંટણી યોજાવાની છે. મોહન ડેલકરના નિધન બાદ તેને ન્યાય મળે તે માટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે.