કોંગ્રેસે જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સીમાંકન મુદ્દે કલેક્ટરને આવેદન - અમદાવાદ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી નવેમ્બર માસના અંતમાં યોજાવાની શક્યતાઓ છે. ત્યારે તેને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવુ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને જુદા-જુદા જિલ્લાના તાલુકાઓની સાત બેઠકો પર સીમાંકન મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ સીમાંકનમાં રોટેશન પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસે ધોળકા, સાણંદ, દસ્ક્રોઈ, વિરમગામ તાલુકાની વટામણ, વિરોચનનગર, અસલાલી, ઘોડા, કૌકા, બદરખા, ચાંગોદર અને કરકથલની સીટો ઉપર રોટેશન પદ્ધતિ અમલી ન બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે અમદાવાદ જિલ્લા કલેક્ટરને નિયત સમય મર્યાદામાં રજૂઆત કરી છે. જો તેનો ઉકેલ નહી આવે તો કોંગ્રેસેની હાઇકોર્ટ સુધી જવા માટેની તૈયારી છે.