ઉદવાડા-પારડીમાં બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ કરતા 16 બાળકોને બાળ સુરક્ષા એકમ દ્વારા રેસ્ક્યુ કરાયા - જિલ્લા બાળ કલ્યાણ સમિતિ
વલસાડ : જિલ્લામાં બાળ સુરક્ષા અંતર્ગત જુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2015 મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 કાર્યરત છે. ત્યારે મંગળવારના રોજ પારડી અને ઉદવાડા ખાતેના વિસ્તારમાં બાળકો ભિક્ષાવૃતિ અને બાળમજૂરી કરતા નજરે આવ્યા હતા. ત્યારે વલસાડ સિટી બાદ હવે જિલ્લા કલેક્ટર આર. આર. રાવલના માર્ગદર્શન અને સહકાર હેઠળ જિલ્લામાં બાળ મજૂરી અને બાળ ભિક્ષુક નાબૂદી માટે સતત ડ્રાઈવનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે. જે પૈકી મંગળવારે ઉદવાડા અને પારડીમાં ભિક્ષા વૃત્તિ અને બાળમજૂરી કરતા 16 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જેસ્મિન પંચાલ અને બાળ સુરક્ષા એકમ, કૉ ડિનેટર પ્રથમ ચાઈલ્ડ 1098 નિકિતા મેકવાન અને ટીમ અને પોલીસ વિભાગના સંક્લનથી દ્વારા ડ્રાઈવ પારડી અને ઉદવાડા ખાતે અલગ અલગ સ્થળો પારડી ચાર રસ્તા, પારડી માર્કટ, પારડી મોટા તળાવ અને ઉદવાડા દમણીઝાપા અને માર્કટ વિગેરે વિસ્તારમાંથી કુલ 16 બાળકો, 13 બાળમજૂરી અને 03 બાળ ભિક્ષાવૃતિમાંથી છોડાવામાં આવ્યા છે. તેઓને પુન:સ્થાપન બાબતે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, વલસાડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જેથી બાળકોને સમાજમાં યોગ્ય રીતે પુન:સ્થાપન કરી શકાય.