નવસારી: પુણી-નોગામા કોઝવે પર અંબિકા નદીના પાણીમાં કાર ફસાઈ, 2નો આબાદ બચાવ - આબાદ બચાવ
નવસારી: આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી અવિરત મુશળધાર વરસાદના પગલે જિલ્લાની નદીઓ, ખાડીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. ભારે વરસાદના પગલે અંબિકા નદીમાં પણ પુરની સ્થિતિ સર્જાઇ છે. નવસારી તાલુકાના સરહદી ગામ પુણીથી વહેલી સવારે એક કારમાં સવાર બે લોકો નોગામા તરફ આવી રહ્યાં હતા. જે દરમિયાન પુણી-નોગામા વચ્ચે આવેલી અંબિકા નદીના કોઝવેને પસાર કરતી વખતે અચાનક નદીમાં પાણીની આવક વધતા કાર નદીના વહેણમાં તણાવા લાગી હતી. કારચાલકે મજબૂતીથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાકામ રહ્યો હતો. કાર કોઝવેની રેલિંગના પાઇપ સાથે અથડાઈને અટકી ગઈ હતી. સમય સુચકતા વાપરી કારમાં સવાર બે લોકો તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા અને નદીના પ્રવાહને પાર કરી બહાર નીકળી ગયા હતા. જો કે, કલાકો સુધી કાર નદીના વહેણની વચ્ચે ફસાઈ રહી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનોની ભીડ ઘટના સ્થળે ઉમટી પડી હતી.