કમોસમી વરસાદની અસર ટેકાના ભાવની મગફળી ખરીદી પર દેખાઇ, યાર્ડમાં ખેડૂતોની સંખ્યા ઘટી - ટેકાના ભાવે મગફળી ખરીદી
રાજકોટ: રાજ્યમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીને ખરીદી કરવામાં આવી હતી. જેને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શુક્રવાર એટલે કે આજથી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ તાલુકાના 25-25 ખેડૂતોને બોલવવામાં આવ્યા હતાં. 25માંથી માત્ર એક એક તાલુકામાંથી ચારથી પાંચ જેટલા જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા હતાં. એક અનુમાન પ્રમાણે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જ્યારે કેટલીક જગ્યાએ મગફળીના પાકમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મગફળીમાં ભેજનું પ્રમાણ હોવાના કારણે ખેડૂતોને પોતાનો માલ રિજેક્ટ થવાનો પણ ભય જોવા મળી રહ્યો છે. જેને લઈને યાર્ડ ખાતે ખેડૂતોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળીમાં ગેરરીતિ ન થાય તે માટે સમગ્ર યાર્ડમાં જ્યાં મગફળીની ખરીદી થઈ રહી છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.