રાજપીપળા APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ - વાઇસ ચેરમેન
નર્મદાઃ શુક્રવારના રોજ રાજપીપળા એપીએમસી ખાતે APMCના બીજા અઢી વર્ષ માટે ચેરમેન, વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતિમાં બીજા અઢી વર્ષ માટે નવા ચેરમેન દિનેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે જયદેવસિંહ ગોહિલની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી. પાંચ વર્ષની મુદ્દતમાંથી અઢી વર્ષ માટે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી કરવાનું નક્કી થયું હતું. જેમાં પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાકીના બીજા અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવાની થાય છે. હાલ વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને વાઇસ ચેરમેન નિલ રાવ હતા. હાલ એપીએમસીમાં 14 બેઠકો પૈકી 15 સદસ્યોની બહુમતી ઘનશ્યામભાઈ પટેલ પાસે હોવાથી ઘનશ્યામભાઈ દ્વારા પોતાના વિશ્વાસુ વ્યક્તિને ચેરમેન બનાવાયા છે. નવ નિયુક્ત પ્રમુખે જણાવ્યું કે રાજપીપળામાં શાકમાર્કેટની ઘણી તકલીફ છે. જે અમે દૂર કરીશું અને અહી કપાસ પકવતા ખેડૂતોને રાહત થાય તે માટે જીનીગ ફેકટરી શરૂ કરીશું.