વડોદરાના જાંબુવા પાસેથી નવજાત બાળકી મળી, ICUમાં દાખલ - સયાજી હોસ્પિટલ
વડોદરા : જાંબુવા વુડાના મકાનમાં રહેતા મહમ્મદમીંયા યુસુફમીયા શેખ રિક્ષા લઇને હાઇવે તરફ જવાના રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન એક નવજાત શિશુનો રડવાનો અવાજ સંભળાતા તેઓ અવાજની દિશામાં ગયા હતા. શામડાના ઝાડ નીચે એક નવજાત બાળકી બિનવારસી હાલતમાં હતી અને તેના શરીર પર કીડીઓ ફરતી હતી. જેથી મહમ્મદમીંયાએ બાળકીને ઉંચકી પોલીસને જાણ કરી હતી. મકરપુરા પોલીસે ઘટના સ્થળે જઈને બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હૉસ્પિટલમાં મોકલી આપી હતી. બાળકીને હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે મકરપુરા પોલીસે નવજાત શિશુને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી છે.