Gujarat Weather: સાબરકાંઠામાં ભર ઉનાળામાં ત્રીજા દિવસે કમોસમી વરસાદી માહોલ - Unseasonal rain
સાબરકાંઠા:ઉનાળાની કાળઝાળ ગરમી વરચે વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી. ઈડર વડાલી હિંમતનગર વિજયનગર ખેડબ્રહ્મા સહિતના પંથકમાં 8 થી લઈ 4 મીમી સુધીનો વરસાદ નોંધાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી એકવાર વરસાદી માહોલ ની શરૂઆત થઈ છે. જે અંતર્ગત સાબરકાંઠા ના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રે થી ભારે ગાજવીજ સાથે વરસાદ ઝરમર સર્જાઈ હતી. જેમાં વિજયનગર ખેડબ્રહ્મા ઇડર હિંમતનગર અને વડાલી સહિત પ્રાંતિજ વિસ્તારમાં વરસાદી માહોલના પગલે વાતાવરણમાં કાર હજાર ગરમીના બદલે ઠંડક વ્યાપી હતી. જોકે ઉનાળુ વાવેતર કરનારા ખેડૂતો માટે જો વરસાદ યથાવત રહે તો ભારે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. એક તરફ બાજરી મકાઈ સહિત ઉનાળુ વાવેતર કરનારા ખેડૂતો માટે હવે લણણીનો સમય આવી રહ્યો છે. ત્યારે વરસાદ યથાવત રહેતા સ્થાનિક કક્ષાએ ખેતીમાં નુકસાન જવાની સંભાવના રહે છે. હવામાન વિભાગની આગાહી પૂર્વે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં મોડી રાત્રે થી સવાર સુધીમાં વીજળીના કડાકા ભડાકા તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ઇડર હિંમતનગર માં સૌથી વધુ 8 મીમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો નોંધાયો છે. જોકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મેઘરાજાના વધામણાં થતાં ભારે ગરમીના ઉકળાટ વરચે લોકોને ઠંડકનો અહેસાસ અનુભવાયો હતો. ત્યારે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો તો ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા થતાં શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસતા વરસાદને લઈ અમુક ગ્રામ્ય પંથકમાં વીજળી ગુલ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇડર માં 8 મીમી, વડાલીમાં 7 મીમી, વિજયનગરમાં 6 મીમી, તેમજ ખેડબ્રહ્મા તલોદ અને પ્રાંતિજમાં 4 થી 5 મીમી વરસાદ નોંધાયો હતો.