Surat Accidental Death : આંબા ગામમાં રમતાં રમતાં બાળક ચેકડેમમાં પડી ગયું, અકસ્માત મોતનો ગુનો દાખલ - ચેકડેમમાં પડી ગયું
Published : Jan 1, 2024, 7:20 PM IST
સુરત:માંડવી તાલુકાના આંબા ગામ ખાતે એક બાળક રમી રહ્યું હતું તે દરમિયાન રમતું રમતું ચેકડેમ પાસે પહોંચી ગયું હતું અને આકસ્મિક રીતે ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સાદડ વિહિર ગામના હાલ પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કરવા સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા ગામની સીમમાં પરિવાર સાથે પડાવ નાખી રહેતા ભરતભાઈ હાડગુભાઈ બરડે જેઓનો અઢી વર્ષનો દીકરો કાયરૂ ભરતભાઈ રાઠોડ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન રમતો રમતો આ અઢી વર્ષનો બાળક નાનખડ ખાડી ઉપર આવેલ ચેકડેમ પાસે પહોંચી ગયો હતો. આકસ્મિક રીતે બાળક ચેકડેમના પાણીમાં પડી ગયો હતો. હાજર લોકોએ બાળકને તાત્કાલિક બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ફૂલ જેવા દીકરાનું ડૂબી જવાથી મોત થતા હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. માંડવી પોલીસ મથકના જમાદાર ગિરીશભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરાતા માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.