Liquor Permit In Gift City: ગુજરાતમાં મહેમાનોનું સ્વાગત દારૂથી નહીં થાય: રેશ્મા પટેલ - Liquor Permit In Gift City
Published : Dec 23, 2023, 2:17 PM IST
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂબંધીમાાંથી મુક્તિ આપી છે. એકબાજુ સરકારના મંત્રીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષમાં આ મામલે વિરોધના સુર ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે જણાવ્યું હતું કે સરકારે ગિફ્ટ સીટીમાંથી દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય લીધો છે. તે ખુબ જ શરમજનક છે. ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણયની જાહેરાત કરી છે. હાલ નિયમો હોવા છતાં પણ ચારે તરફ દારુ વેચાઈ રહ્યો છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે. જેના કારણે લઠ્ઠાકાંડ પણ થઈ રહ્યા છે, માતાઓ બહેનો પોતાના જ ઘરમાં માર પણ ખાઈ રહી છે. સરકારે આ બધી બાબતો પર થોડો વિચાર કરવાની જરૂર હતી. અમે આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે સરકાર આ નિર્ણયને તાત્કાલિક પાછો લે. નહિતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તથા આવેદનપત્ર પણ આપીને વિરોધ નોંધાવશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, હતી અને હંમેશા રહેશે. સંસ્કારી ગુજરાતમાં મહેમાનોનું સ્વાગત દારૂથી નહીં થાય.