પાટણના વિવિધ બહુચર માતાના મંદિરો અને સ્થાનકોમાં ઉજવાયો રસ રોટલી મહોત્સવ, જુઓ વીડિયો... - પાટણના સમાચાર
Published : Dec 15, 2023, 1:02 PM IST
પાટણ: માગશર સુદ બીજના દિવસે પાટણના વિવિધ બહુચર માતાના મંદિરો અને સ્થાનકોમાં રસ રોટલી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક માન્યતા અનુસાર આદ્યશકિત મા બહુચરના પરમ ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખવા મા બહુચરે ભર શિયાળે માગશર સુદ બીજના દિવસે મેવાડા જ્ઞાતીના લોકોને રસ રોટલીનું ભોજન પીરસ્યુ હતું. ત્યારથી વર્ષો જૂની આ પરંપરાને શ્રધ્ધાળુઓએ આજે પણ જીવંત રાખી છે. માગશર સુદ બીજને ગુરુવારના રોજ પાટણ શહેરના વિવિધ મંદિરોમાં સવારથી જ માઇ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અનેક મંદિરોને રંગબેરંગી ફૂલોથી શણગારાયા હતા. શહેરના સાલીવાડા વિસ્તારમાં આવેલ જબરેશ્વરી બાળા બહુચર માતાના મંદિર ખાતે માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યા હતા. આ અન્નકૂટના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો સર્જાઇ હતી. તો દર્શને આવનાર દરેક માઈ ભક્તોને મંદિરના સેવકો દ્વારા 500 કિલો થી વધુ રસ રોટલીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ પાટણ શહેરના સિદ્ધી સરોવર નજીક આવેલ પાટણ મોઢ મોદી ઘાચી જ્ઞાતિ સમાજના કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે ધર્મમય માહોલમાં ધાર્મિક ઉત્સવો અને રસ રોટલીની સમૂહ ઉજવણી કરવામાં આવી હતી.