પાટણ જિલ્લામાં ટર્બો ચાલકો બેફામ, એક બેકાબૂ ટર્બોએ હોસ્પિટલની દિવાલ તોડી નાખી - પોલીસ
Published : Dec 13, 2023, 3:34 PM IST
પાટણઃ જિલ્લામાં રેતી અને કપચીની હેરફેર કરતા ટર્બો-હાઈવા(મોટા ટ્રક) બેફામ હંકારાતા હોય છે. આ ટર્બોને લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. જો કે તંત્ર અને ટ્રાફિક વિભાગ તરફથી આ ટર્બો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. હવે ફરીથી આ ટર્બોએ પાટણના ધારપુરમાં અકસ્માત સર્જ્યો છે. આ વખતે ટર્બોએ એક માનસિક રોગોની હોસ્પિટલની દિવાલ તોડી નાંખી છે. આ અકસ્માતમાં એક કારને નુકસાન થયું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની વિગત એવી છે કે ઊંઝાથી પાટણ તરફ આવી રહેલ ટર્બોની સ્પીડ વધુ હતી. કોઈક કારણ સર ચાલકે કાબૂ ગુમાવતા ટર્બો ડિવાડર કુદાવીને રોંગ સાઈડના રોડ પર આવી ગયો. સામેથી આવતી કારને હડફેટે લીધી અને માનસિક રોગોની હોસ્પિટલની દિવાલ તોડી કાઢી હતી. આ બનાવ બાદ ટર્બોનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે કોઈ જાન હાનિ ન થઈ તેથી ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.