Uttarayan 2024: ભુજમાં શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ છેલ્લા 16 વર્ષથી કરી રહ્યું છે ઘાયલ પક્ષીઓની સારવાર - 25000 પક્ષીઓની સારવાર
Published : Jan 15, 2024, 4:51 PM IST
કચ્છઃ ભુજનું શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણમાં ઘવાયેલ પક્ષીઓની સારવાર કરી રહ્યું છે. આ મંડળ દ્વારા ધાયલ પક્ષીઓને સારવાર માટે મડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં પક્ષીઓની સાદી સારવારથી લઈને ઓપરેશન સુધીની સઘન સારવાર પણ કરવામાં આવે છે. હેલ્પલાઈન નંબર પર કોલ મળતા સુપાશ્વ જૈન સેવા મંડળની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચીને ધાયલ પક્ષીને ઈમરજન્સી સારવાર કેન્દ્ર પર લાવે છે. આ કેન્દ્ર પર ઘાયલ પક્ષીની સરભરા અને સારવાર કરવામાં આવે છે. ગત વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન 60 જેટલા પક્ષીઓ દોરી અને પતંગના કારણે ધાયલ થયા હતા. આ દરેક પક્ષીઓને ગત વર્ષે સઘન સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ મંડળ દ્વારા 16 વર્ષોમાં અત્યાર સુધી 25000 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. વઘુ ઘાયલ અને મરણતોલ પક્ષીઓ મૃત્યુ પામે ત્યારે તેમને મકરસંક્રાંતિની રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અત્યાર સુધી 3000થી 3500 જેટલા પક્ષીઓના વિધિવત અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે જેથી તેમને મોક્ષ મળી શકે. સુપાશ્વ જૈન સેવા મંડળ દ્વારા પતંગની દોરીના ગૂંચ પણ અહી સ્વીકારવામાં આવે છે. આ ગૂંચને સળગાવીને તેનો નિકાલ કરવામાં આવે છે. જે નાગરિકો આ મંડળમાં દોરી જમા કરાવે છે તેમણે પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવે છે.
શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ છેલ્લા 16 વર્ષમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા 25000થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. તેમજ 3000થી 3500 મૃત પક્ષીઓનો મકરસંક્રાંતિની રાત્રે વિધિવત અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. જેથી તેમને મોક્ષ મળી શકે...કૌશલ મહેતા(પ્રમુખ, શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ)