Jamnagar Agriculture : હાપા યાર્ડમાં સતત બીજા દિવસે લસણની મબલક આવક, ખેડૂતોને શું મળ્યાં ભાવ જૂઓ
Published : Sep 16, 2023, 7:05 PM IST
જામનગર : જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ કૃષિ જણશોનું પીઠું ગણાય છે. અહીં કપાસ, મગફળી, કઠોળના ખેડૂતોને ખુબ જ સારા ભાવ મળે છે. ગયા વર્ષે લસણનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ આ વર્ષે વિપુલ માત્રમાં લસણનું ઉત્પાદન થયું છે. ત્યારે હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં 2400 ગુણી જેટલી લસણની આવક થઇ રહી છે. એટલું જ નહીં આ લસણના ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. તો સામે ખેડૂતોને 20 કિલો એટલે કે એક મણના નીચામાં નીચા 900 અને ઊંચામાં ઊંચા 2252 રૂપિયા ભાવ મળી રહ્યા છે. હાપા માર્કેટ યાર્ડમાં સેકેટરી હિતેશભાઈ પટેલ જણાવ્યું કે જામનગર પંથકમાં મોટા પ્રમાણમાં લસણનું વાવેતર થયું છે અને મગફળીની સાથે લસણની સારી એવી આવક યાર્ડમાં છે જોકે ખેડૂતોને ઊંચો ભાવ મળતા સમગ્ર હાલાર પંથકમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ લઈને આવે છે અને વેચાણ કરી રહ્યા છે. ગત વર્ષે પણ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ રાજ્યમાં સૌથી ઊંચો જોવા મળ્યો હતો. આ વર્ષે લસણનો ભાવ ખેડૂતોને ઊંચે ઊંચો મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.