Ayodhya Ram Mandir : રાજપીપળાનું આકાશ ભગવા રંગે રંગાયું, જયશ્રી રામનો જયઘોષ ગુંજ્યો
Published : Jan 15, 2024, 5:15 PM IST
નર્મદા : આજે મકરસંક્રાંતિના બીજા દિવસે પણ રાજપીપળા શહેરની અગાશીઓ કાપ્યો છે...લપેટ...ની ચિચિયારીઓથી ગુંજી ઉઠી છે. આકાશ રંગબેરંગી પતંગ અને બલૂનોથી સપ્તરંગી બન્યું છે. કેટલાક લોકો ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી ગીતો વગાડી પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે શહેરમાં જય શ્રી રામ અને જય બજરંગબલીના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. સાથે જ આકાશ ભગવા રંગે રંગાયું હતું.
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભક્તો પોતાના આગવા અંદાજમાં આ ક્ષણને ઉજવી રહ્યા છે. ત્યારે રાજપીપળા શહેરમાં રામ લલ્લાના આગમનને લઈને રાજપૂત ફળીયામાં રહેતા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવપૂર્વ અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા અનોખી રીતે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જય શ્રી રામના નારા સાથે આકાશમાં જયશ્રી રામ અને હનુમાનના ધ્વજ ઉડાવી રાજપીપળાના આકાશને ભગવા રંગે રંગવામાં આવ્યું હતું.