Cyclone Biparjoy: વાવાઝોડાની આફત વચ્ચે પ્રાંત અધિકારીની બેઠકમાં મહિલા તલાટી 1 વર્ષના સંતાનને સાથે રાખીને હાજર રહ્યા - સરકારી ફરજમાં કર્મનિષ્ઠા અને માની મમતાના દર્શન
કચ્છ: હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત ચક્રવાત બિપરજોય કચ્છમાં લેન્ડ ફોલ થશે. ચક્રવાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છનું વહિવટી તંત્ર પણ તૈયાર છે. ત્યારે તમામ તાલુકાઓમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદાર તેમજ વિવિધ સંસ્થા અને સમાજના અગ્રણીઓ સાથે મિટિંગનો દોર ચાલી રહ્યો છે. જે વચ્ચે સરકારી ફરજમાં કર્મનિષ્ઠા અને માની મમતાના દર્શન કરાવતા વીડિયો સામે આવ્યા છે. જખૌ કાંઠે વાવાઝોડું ટકરાવાનું હોઈ અબડાસામાં પ્રાંત અધિકારીએ બોલાવેલી બેઠકમાં ચરોપડી ગામના મહિલા તલાટી નિશા વર્મા પોતાના 1 વર્ષના સંતાનને સાથે રાખીને બેઠકમાં હાજર રહ્યા હતા. કાંઠા વિસ્તારના ચરોપડી ગામના મહિલા તલાટી નિશા વર્મા પોતાની ફરજ સમજીને આપત્તિના સમયે પોતાના સંતાનને સાથે રાખીને એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોના જાન-માલની રક્ષા કરવા માટે આખા કચ્છનું વહીવટીતંત્ર દિવસ-રાત જોયા વગર ખડેપગે કાર્ય કરી રહ્યું છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.