Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે કચ્છના તમામ દરિયાકિનારે પહોંચવાના રસ્તા પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યા - Cyclone Biparjoy alert
કચ્છ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. જખૌથી વાવાઝોડું 120 કિ.મી. દૂર છે. રાત્રે 9 થી10 વાગ્યા સુધી વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે અથડાઈ શકે છે. આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. કચ્છના દરેક દરિયાકિનારે પહોંચવાના રસ્તા પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે. જખૌ બંદરથી 13 કિલોમીટર પહેલા પોલીસે પોલીસે રસ્તા પર બસ આડી મૂકી પોર્ટ તરફ જતો રસ્તો બ્લોક કર્યો છે. દરિયા પર લોકોને પ્રવેશવાથી રોકતા પોલીસ જવાનો પણ દરિયાકાંઠાથી દૂર ખસ્યા છે. વાવાઝોડાનો જોખમને જોતા તંત્ર દ્વારા સલામતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ:હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9થી 10 વાગ્યાની આસપાસ ટકરાશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની સંભાવના છે. તંત્ર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.