Cyclone Biparjoy: ખતરનાક સ્થિતિમાં મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન, 50 જિંદગી બચાવી
દ્વારકા: બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. દરિયાકાંઠે સહેલાણીઓને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટની વચ્ચે દ્વારકાના દરિયામાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આ વચ્ચે દ્વારકાના દરિયામાં ફસાયેલા 50 લોકોને કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. વાવાઝોડાના કારણે દરિયામાં ફસાયેલા 50 લોકોને બચાવાયા છે. દ્વારકાના દરિયામાં ઓઈલ ડ્રિલિંગ કી સિંગોપાર નામના જહાજમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.