Valsad News: ધરમપુરના વિલ્સન હિલ પર બાઈક ઉપર જોખમી સ્ટંટબાજી કરનારને પોલીસે પાઠ ભણાવ્યો - Biker Caught Doing Dangerous Stunt
વલસાડ: ધરમપુરના પર્યટન સ્થળ વિલ્સન હિલ પર બાઇક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. હાલમાં જ્યાં અમદાવાદમાં બેફામ કાર હંકારી 9 લોકોના ભોગ લેવાઈ ગયા છે ત્યારે પોલીસ સમગ્ર બાબતે વધુ ગંભીર બની છે. ધરમપુરના વિલ્સન હિલ પ્રવાસન સ્થળ ઉપર જ્યાં શનિ- રવિની રજામાં ખૂબ ભીડ જામે છે. ત્યારે એવા સ્થળે બાઈક ઉપર જોખમી સ્ટંટના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાની ઘેલછા યુવકને ભારે પડી હતી. વીડિયોને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જોખમી બાઇક સ્ટંટ કરનારા યુવકને પકડી પાડ્યો હતો અને કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો છે. જાહેર સ્થળે જોખમ ઉભું થાય એવી રીતે કોઈ બાઈક ચાલક સ્ટંટ કરશે કે વાહન હંકારશે તો પોલીસ કાર્યવાહી કરશે.
બાઈક ચાલકો ઉપર પોલીસની નજર:સમગ્ર ઘટના અંગે ધરમપુર PSI એ કે પ્રજાપતિએ જણાવ્યું કે જાહેર સ્થળે લોકોના સુરક્ષા જોખમાય એ રીતે જાહેરમાં વાહન ઉપર સ્ટંટ કરનાર બાઈક ચાલકોને હવે પોલીસ છોડશે નહિ એટલું જ નહિ વિલ્સન હિલ ઉપર આવતા બાઈક ચાલકો ઉપર પોલીસ નજર રાખશે. હાલ તો વાયરલ વીડિયોમાં સ્ટંટ કરનાર સામે કાયવાહી પોલીસે કરી છે. આમ પોલીસે વિલ્સન હિલ ઉપર અન્યની જીદંગી જોખમાય એ રીતે લોકોની વચ્ચે ભીડમાં સ્ટંટ કરનારને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે.