Gir Somnath News : લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં પાડશે ભંગાણ, સોમનાથમાં સી.આર. પાટીલનું ચોકાવનારૂ નિવેદન - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
Published : Nov 4, 2023, 4:26 PM IST
ગીર સોમનાથ : લોકસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું કોંગ્રેસમાં ભંગાણ પાડવાને લઈને જાહેર મંચ પરથી નિવેદન સામે આવ્યું છે. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા સોમનાથ નજીક બનાવવામાં આવેલી ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સી.આર પાટીલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને ભાજપમાં ખેંચી લાવવાની વાત કરી છે. લોકસભાની ચૂંટણીની આખરી ઘડીઓ ગણાય રહી છે, આવા સમયે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો શરૂ થશે તેવું સી આર પાટીલના નિવેદન પરથી સ્પષ્ટ માની શકાય છે.
ભાજપમાં ફરી ભરતી મેળો : દિવાળી બાદ લોકસભાની ચૂંટણીના ફટાકડા ફૂટવાની શરૂઆત થશે. આવા સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિવેદન આપ્યું છે. સોમનાથ નજીક હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા બનાવવામાં આવેલી ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે સી આર પાટીલે રાજુલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાર્જ અમરીશ ડેરને ફરી પાછા ભાજપમાં સામેલ કરવાને લઈને નિવેદન આપ્યું છે.
અમરીશ ડેર મારા મિત્ર - પાટીલ :સી આર પાટીલે જાહેર મંચ પરથી અમરીશ ડેરને આવકારતા કહ્યું હતું કે, થોડા સમય પૂર્વે બસમાં ખાલી સીટ પર તેમનો રૂમાલ રાખ્યો હતો. પરંતુ અમરીશ ડેર ચુકી ગયા હવે હું તેને હાથ પકડીને ભાજપમાં ખેંચી લાવીશ, અમરીશ ડેર મારા મિત્ર છે. સી આર પાટીલનું આ નિવેદન લોકસભાની ચૂંટણી પૂર્વે ખૂબ જ સૂચક માનવામાં આવે છે. જ્યારે સી આર પાટીલ અમરીશ ડેરને ભાજપમાં સામેલ કરવાને લઈને વાત કરી રહ્યા હતા, આ સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સભા સ્થળ પર ઉપસ્થિત હતા.
થોડા સમય પૂર્વે બસમાં ખાલી સીટ પર તેમનો રૂમાલ રાખ્યો હતો. પરંતુ અમરીશ ડેર ચુકી ગયા હવે હું તેને હાથ પકડીને ભાજપમાં ખેંચી લાવીશ, અમરીશ ડેર મારા મિત્ર છે. -- સી. આર. પાટીલ (ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ)
અમરીશ ડેરનો પ્રતિભાવ : સોમનાથ-વેરાવળ બાયપાસ માર્ગ પર હાસ્ય કલાકાર માયાભાઈ આહીર અને કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. આ સમયે માયાભાઈ આહીરના મિત્ર અમરીશ ડેર પણ સભા સ્થળ પર હાજર હતા. પરંતુ જ્યારે સીઆર પાટીલે અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું ત્યારબાદ અમરીશ ડેરના સંપર્ક માટેના તમામ નંબર બંધ જોવા મળ્યા છે, સાથે સાથે તેઓ સભા સ્થળ પરથી અચાનક ગાયબ થયેલા જોવા મળતા હતા. જેને કારણે સી આર પાટીલે જે નિવેદન આપ્યું છે તેને લઈને અમરીશ ડેરનો કોઈ પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી.
પત્નીઓને લઈને હળવી મજાક : આજે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખૂબ જ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે માયાભાઈ આહીર, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ખુદ તેમના પત્નીને લઈને પણ હળવી શૈલીમાં મજાક કરી હતી. સીઆર પાટીલે કર્યું હતું કે, જે રીતે માયાભાઈ પત્નીથી ડરી રહ્યા છે તે જ રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની પત્નીથી ડરે છે, તેવું મેં ખુદ જોયેલું છે અને હું ખુદ પણ મારી પત્નીથી ડરું છું. આ પ્રકારનું નિવેદન પાટીલે જાહેર મંચ પરથી આપતા થોડા સમય માટે સભા સ્થળ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.