બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં કથા યોજવાની ઈચ્છા વ્યક્ત કરી -
Published : Nov 26, 2023, 7:02 PM IST
કચ્છ:શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છની મુલાકાતે છે. શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા કચ્છના ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આજે બાબાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સનાતન હિન્દુની વાત તેમજ હનુમાનજીની ભક્તિ અંગે બાબાએ વાત કરી હતી તો સાથે જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં કથા યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ ગૌહત્યા બાબતે તેમણે દરેક હિંદુ પોતાના ઘરે એક ગાય રાખે તેવી અપીલ કરી હતી.
ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હનુમાનજીએ તેમને સનાતન અને કટ્ટર હિન્દુત્વ માટે પસંદ કર્યા છે. ત્યારે તેમનો પ્રસાદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. લાખો કરોડો હિન્દુઓની જાગૃતિ જ બાગેશ્વરધામની પ્રસિદ્ધિ છે. આજના સનાતની યુવાનોને સ્પષ્ટ સંદેશ શું છે તે બાબતે વાત કરતા બાબાએ જણાવ્યું હતું કે હિન્દુ અને સનાતની વ્યક્તિ તે જ છે જે પોતાને હિન્દુ હોવાનો ગર્વ છે. વર્તમાનમાં જાતિ ઓછી થઈ રહી છે અને જાતિવાદ વધી રહ્યો છે જે દુર્ભાગ્ય બાબત છે. કચ્છની જનતાને સનાતનને ક્યારેય પણ ના ભૂલવાની વાત કરી હતી તેમજ ધર્મથી રાજનીતિ થઈ શકે છે પરંતુ રાજનીતિથી ધર્મ નથી ચાલતો તેવી વાત પણ કરી હતી. તેમજ સૌ કોઈ કચ્છવાસીઓને આ હનુમંત કથાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.