Ahmedabad Crime : પાર્ટી પ્લોટમાં તોડફોડ કરનારા 10 બદમાશો ઝડપાયા - Vandalism news in Ahmedabad
અમદાવાદ :રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ કોણ કોણ : આ મામલે પોલીસે કુલદીપ જોધા, પરવેજ કોરી, રીન્કુ રાજપુત, અલ્પેશ ઉર્ફે બબલું ચૌહાણ, સાહિલ ઉર્ફે બંગાળી, સચિન દંતાણી અને ચિરાગ નિરબાના નામના રાણીપ અને સાબરમતી વિસ્તારના રહેવાસી આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્રીરામ વાટિકા પાર્ટી પ્લોટમાં ઘૂસીને તોડફોડ કરી હતી.
બદલો લેવા માટે મિત્રા સાથે કરી તોડફોડ : પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કુલદીપ જોધાને પાર્ટી પ્લોટના માલિકે નવા વર્ષે એટલે કે 2023થી પાર્ટી પ્લોટમાં કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પાર્ટી પ્લોટના માલિકે અગાઉના કોન્ટ્રાક્ટર સાથે સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો હોવાથી આરોપી કુલદીપને કોન્ટ્રાક્ટ ન મળ્યો. તેથી તે જ બાબતનો બદલો લેવા માટે કુલદીપએ તેના મિત્રો સાથે હથિયારો લઈને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો :માણાવાવમાં જમીન પડાવી લેવાની ફરિયાદ, તોડફોડ અને ફાયરિંગની ઘટના
ત્રણ આરોપીઓ સગીર : સાબરમતી પોલીસે આ મામલે રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધી કુલ 10 આરોપીઓની ધરપકડ છે. જેમાં ત્રણ આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યુ છે. પકડાયેલા આરોપીઓમાં અમુક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના PI એચ.એન પટેલે જણાવ્યું હતું કે, આ મામલે પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આરોપીઓ પાસેથી હથિયાર કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા
આ પહેલા પણ તોડફોડની ઘટના :ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદના કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક કાર પર પથ્થર વાગતાં ફરીયાદી તેના મિત્રોને લઈને ઘટના સ્થળે પહોંચતા ત્યાં બેઠેલા આરોપીઓએ ઝઘડો કરીને મારામારી કરી હતી. ત્યારે આ પ્રકારની તોડફોડની ઘટના સામે આવતા લોકોમાં પણ ક્યાંકને ક્યાંક ભય ફેલાતો હોય છે. પરતું પોલીસની કડક કાર્યવાહીના કારણે આ પ્રકારનું કાર્ય પણ અટકે છે.