Mahisagar News: સાઇકલ પ્રવાસ કરી એક અનોખી ભકિતની ઝાંખી કરાવતા વડોદરાના ત્રણ યુવાનો - vapi cycle yatra for awareness for cycling
મહીસાગર:આજના મહામારીના યુગમાં લોકો પર્યાવરણ જાગૃતિ અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવતા નથી.ખાસ કરીને જ્યારથી કાર, બાઇકની સુવિધા આવી છે. લોકો ચાલવાનું ભૂલી જ ગયા છે. ઓફિસ હોય કે પછી કોઈ કામ હોય, વાહનમાં જ પ્રવાસ કરવાનો અભિગમ દાખવી રહ્યાં છે. સાયકલને સાવ ભૂલી જ ગયા છે. ત્યારે લોકોને સાયકલ ચલાવતા કરવા માટે વિશ્વમાં મોટા પ્રમાણમાં અભિયાનો પણ ચલાવવામાં આવે છે. આવો જ એક નાનો પ્રયાસ વડોદરાના ત્રણ યુવાનો વડોદરાથી કેદારનાથ સાઇકલ પ્રવાસે યાત્રા કરી લોકોને પ્રેરણા અને ઉમદા આશયનો સંદેશ આપ્યો છે. વડોદરાથી કેદારનાથ સાઇકલ પ્રવાસે નીકળેલા પ્રવાસી લુણાવાડા ખાતે આવી પહોંચ્યા છે. જેઓ વડોદરાથી સાયકલ પર પ્રવાસ ખેડી ત્રણ યુવાનો બાબા કેદારનાથના દર્શનની અતિ કઠીન યાત્રાએ નીકળ્યા છે. મહાદેવની અનન્ય ભક્તિ અને સાયકલ પ્રવાસના સંદેશને લઈ ત્રણેય યુવાનો 1500 કિલોમીટરની યાત્રાએ નીકળ્યા છે. આજનાકળયુગમા પણ મહાદેવની અનોખી ભક્તિની ઝાંખી અપાવતી આ ક્ષણ યુવાનોમાં પ્રેરણા સ્ત્રોત બની રહી છે. એક તરફ યુવાનોમાં પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ વધી રહ્યુ છે. ત્યારે આ યુવાનનોએ મહાદેવની ભક્તિને લઈ સાયકલ પ્રવાસની શરૂઆત કરી છે. પર્યાવરણ જાગૃતિ અને સ્વાસ્થ્યના સંદેશ સાથે સાયકલિંગ યાત્રા કરી લોકોને પ્રેરણા અને ઉમદા આશયનો સંદેશ આપ્યો છે. સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્યને તો ફાયદો થાય જ છે, સાથે સાથે પર્યાવરણને પણ કોઇ નુકશાન થતું નથી. આથી લોકોમાં જાગૃતિ અર્થે ત્રણેય યુવાને આ બીડું ઝડપ્યું છે. વડોદરાથી સાયકલ લઇને નીકળેલા યુવાનોએ ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, અહીંના લોકો ખુબ જ પોઝિટિવ, સપોર્ટિવ છે. લોકોનો સારો પ્રેમ મળી રહ્યો છે. અમોને અહીં રહેવા-ખાવાની કોઇ તકલીફ પડવા દીધી નથી. ઉપરાંત મહત્વની વાત કરીએ તો આ સાયકલ યાત્રા દરમિયાન ત્રણ યુવાનો શારીરિક ફિટનેસ પર્યાવરણ બચાવો અને શક્ય હોય તેટલું ઓછું પ્રદૂષણ થાય તેવા મુદ્દાઓને ધ્યાને લઈ લોકોમા જાગૃતિ બને તે માટે વડોદરા થી કેદારનાથ સુધી આ યાત્રા યોજાઈ છે.