CM રૂપાણી કુંભ મેળામાં દર્શનાર્થે, ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું - gujarat news
પ્રયાગરાજઃ સંગમનગરીમાં દરરોજ નવા કોઈનાં કોઈ નેતા અથવા પ્રધાનોનું આગમન થતું જ રહે છે. દેશનાં અલગ-અલગ રાજ્યનાં મુખ્યપ્રધાનો મહાકુંભની દિવ્યતા જોવા આસ્થા સાથે આવતા જ રહે છે. શુક્રવારે ગુજરાતનાં CM વિજય રૂપાણી કુંભનગર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યુ હતું. આ સાથે જ મુખ્યપ્રધાને અજયવટ, સરસ્વતી કૃપા અને સુતા હનુમાનજીનાં દર્શન પણ કર્યા હતાં. આ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારે વર્ષોથી બંધ અજયવટને ખોલવાનું કામ કર્યુ છે. આ સાથે મહાકુંભની વ્યવસ્થા જોતા જ લાગે છે કે, મોદીજીનો નારો‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અહિંયા પણ જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે સાથે મળીને આ મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવાનું કામ કર્યું છે. અવર-જવરનાં રસ્તાઓનું પણ વિશેષ સ્વરૂપથી ધ્યાન આપવામાં આવ્યું છે. ગંગા-યમુનાનાં જળની સ્વચ્છતા જોઈ મન પ્રફુલિત થઈ જાય છે. ભારત દેશની એકતાનું પ્રતિક છે ‘કુંભ’...કે જ્યાં આમંત્રણ વગર જ દેશના ખૂણેખૂણાથી શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે. રામ મંદિરનાં નિર્માણને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું કે, મોદી સરકાર કોર્ટના ચૂકાદાની રાહ જોઈ રહી છે. ટૂંક સમયમાં જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.