3 ગણું વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરને પોલીસે ઝડપ્યો - crime news
અમદાવાદઃ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઓઢવ વિસ્તારમાં રહેતા એક વેપારીએ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની પાસેથી ત્રણ ગણા પૈસા વસૂલવા માટે વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી હતી અને વેપારીની ગાડી પચાવી પાડી હતી. જે અંગે ઓઢવ પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે. ઓઢવ વિસ્તારમાં વધુ એક વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે જેમાં બે વ્યાજખોરો સામે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં માસિક પાંચ ટકા લેખે વેપારીએ પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેની મૂડી અને વ્યાજ સમયસર ન ચૂકવી શકવાના કારણે વ્યાજખોરો વેપારીને હેરાન કરતા હતા અને ત્રણ ગણું વ્યાજ વસૂલવા માટે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. ઉપરાંત વેપારીની ગાડી પણ વ્યાજખોરોએ પચાવી પાડી હતી. આ સમગ્ર મામલે પોલીસે વેપારીની ફરિયાદના આધારે દિનેશ રબારી નામના રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ઝોન-5 DCP અક્ષય રાજ મકવાણાએ લોકોને અપીલ પણ કરી છે કે સરકારે નિયત કરેલા વ્યાજની ટકાવારી કરતાં વધુ ટકા રકમ ના લેવી અને જો કોઈ વ્યાજખોર દ્વારા માનસિક કે શારીરિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવી.