વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ શરૂ કરી સરકારના આદેશનું ઉલ્લંઘન કરાયું
વડોદરાઃ કોરોનાને લઈ લોકડાઉન બાદ અનલોકમાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે શાળા-સ્કૂલ, કોલેજો સહિત ખાનગી ટ્યુશન કલાસીસ નહીં ખોલવા સૂચના આપી છે. તેમ છતાં પણ બુધવારના રોજ વડોદરા શહેરના રાવપુરામાં આવેલું એન.એમ.કલાસીસ ખુલ્લું જોવા મળ્યું હતું અને આ કલાસરૂમમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો નજરે પડ્યો હતો. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ અંગે ક્લાસના સંચાલક ઉમેશ મોદીએ જણાવ્યું કે, આગામી 25મી તારીખના રોજ ધોરણ 12ની પૂરક પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પોતે જ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોઈ ડિફિકલ્ટી હતી, માટે 6થી 8 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેઓએ મને જાણ કરી નહોતી. હાલમાં ઓનલાઈન ક્લાસ શરૂ જ છે પણ આ વિદ્યાર્થીઓને હું ઓનલાઈન અભ્યાસ કરાવતો નથી. અત્રે, ઉલ્લેખનીય છે કે સરકારના ખાનગી ટ્યુશન કલાસીસ નહીં ખોલવાના આદેશ હોવા છતા પણ એન.એમ.કલાસ ખુલતા સરકારના આદેશનું ઉલ્લંઘન થયું છે.