કોરોનાનો કહેર: આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે - રાજકોટની મુલાકાતે
રાજકોટઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ શુક્રવારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના અંગેની કામગીરી સમીક્ષા કરી હતી. ત્યારબાદ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં 990 એક્ટિવ કેસ છે. જેમાં 257 જેટલા ગ્રામ્ય વિસ્તારના છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે 10 લાખની વસ્તીએ 140 ટેસ્ટ આપણે ઓછામાં ઓછા કરવા જોઈએ. આથી ટેસ્ટ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ 50થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે કોરોના દર્દીનો મોતનો આંક પણ વધી રહ્યો છે. જેને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે.