વડોદરામાં આરોગ્ય વિભાગની લાલ આંખ, હાથીખાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું
વડોદરાઃ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ગુરુવારના રોજ ગાંધીનગર આરોગ્ય વિભાગની સૂચનાથી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઈન્સ્પેક્ટરની ટીમે વડોદરાના સૌથી મોટા બજાર હાથીખાનામાં આવેલા મરચું-મસાલાના વેપારીઓને ત્યા ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું. જેને લઈને કેટલાક ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આરોગ્ય વિભાગની ટીમે હાલ મસાલા બજારમાં ચેકીંગ હાથ ધર્યું છે અને કાળી મરીમાં ભેળસેળ થતી હોવાની શંકાએ તેના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથધરી છે. અત્રે, ઉલ્લેખનીય છે કે, તહેવારો નજીક હોવાથી વડોદરા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ચેકીંગ કરી વાંધાજનક જણાઈ આવે તેને સીલ મારવાની કાર્યવાહી સાથે નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે.