રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઈકર્મીઓ બેભાન થઇ ઢળી પડ્યા, 1ની હાલત ગંભીર - રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી
રાજકોટઃ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજે ગુરુવારની સવારે 3 જેટલા મજૂરો ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણ થવાના કારણે ત્રણેય મજૂરો ગટર અંદર જ ફસાઈને બેભાન અવસ્થામાં પડી ગયા હતા. જો કે, સ્થાનિકોને આ મામલાની જાણ થતાં તાત્કાલિક આ ત્રણેય મજૂરોને ભૂગર્ભમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત મનપાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ત્રણેય મજૂરોમાંથી 2 મજૂરની તબિયત હાલ પૂરતી સારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મજૂરની હાલત વધુ ગંભીર છે. સમગ્ર ઘટનાની જાણ રાજકોટના ધારાસભ્યને થતાં અરવિંદ રૈયાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ ત્રણેય મજૂરને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં વધુ સારવાર માટે રાખવામાં આવ્યા છે. ત્રણેય સફાઈકર્મીઓમાં અજુભાઈ ધરજીયા, બાબુભાઈ અને રામભાઈનો સમાવેશ થાય છે. એકની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.