તાંબાનાં વાસણ
તાંબાનાં વાસણ ઘણી પ્રશંસા પામ્યાં છે અને પ્રાચીન ભારતમાં તે મિલકત ગણાતાં. પ્રાચીન ભારતમાં ખાણોમાંથી તાંબું શોધીને તેનાં ખનીજોમાંથી તેને છૂટું પાડવામાં આવતું. પ્રાચીન યુગમાં રાજસ્થાનની ખેતરી સ્થિત તાંબાની ખાણોમાંથી સૈકાઓ સુધી તાંબુ નિકાળવામાં આવ્યું હતું. તાંબુ ઉષ્ણતાનું સંવાહક છે, આથી રસોઇનું તાપમાન નિયંત્રિત કરવાનું સરળ રહે છે. તાંબા અને જસતના મિશ્રણમાંથી બનાવવામાં આવતા પિત્તળનો રસોઇ બનાવવા માટે પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે. કાંસુ એ તાંબુ અને ટિનની મિશ્ર ધાતુ છે.
આપણા આરોગ્ય માટે તાંબાની અલ્પ માત્રા લાભદાયી છે. જોકે, ટૂંકા ગાળામાં ભારે માત્રામાં તાંબુ શરીરમાં જવાથી તે ઝેરનું કામ કરી શકે છે. લાંબા ગાળા સુધી દૂષિત પાણી કે ખોરાક વાટે શરીરમાં ઉચ્ચ માત્રામાં તાંબુ જવાના કારણે તાંબાનું ઝેર ચઢી શકે છે. વિલ્સન્સ ડિસીઝ જેવી કેટલીક આનુવંશિક બિમારીઓને કારણે પણ તાંબાનું ઝેર ચઢી શકે છે. તાંબાના ઝેરનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે છેઃ
- અતિસાર (ઝાડા)
- માથાનો દુખાવો
- કિડની ફેઇલ્યોર
- લોહીની ઊલ્ટી થવી
- આંખના નેત્રપટલ તામ્રવર્ણી થઇ જવા
આથી, તાંબા અને પિત્તળના તવા ઉપર અન્ય ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે, જેથી તાંબુ આહારના સીધા સંપર્કમાં આવતું નથી. લાંબા સમય સુધી ભોજન, ખાસ કરીને એસિડિક ભોજનને તે પાત્રમાં રાંધવામાં કે સંગ્રહિત કરવામાં આવે, તો તેમ કરવાથી આવરણની અલ્પ માત્રા દૂર થઇ શકે છે. રસોઇ બનાવવા માટેનાં કોટિંગ ધરાવતાં પાત્રોને ઘસીને ચળકાવવામાં આવે, તો પણ તેનું રક્ષણાત્મક આવરણ દૂર થઇ શકે છે. ભૂતકાળમાં તાંબાનાં રસોઇ બનાવવાનાં વાસણો પર કેટલીક વખત ટિન અને નિકલનું આવરણ ચઢાવવામાં આવતું. તાંબાનાં વાસણોમાં સૌથી ઉપર ટિનનું સ્તર ચઢાવવાથી ગુંદર જેવું એક ખાસ પ્રકારનું સ્તર બની જાય છે. ટિન અને તાંબુ એકમેકમાં સરસ રીતે ભળી જાય છે.
તાંબા કે પિત્તળનાં વાસણોમાં રસોઇ બનાવવું સલાહભર્યું નથી, કારણ કે આહારમાં રહેલું મીઠું કે આયોડિન સહેલાઇથી તાંબા સામે પ્રતિક્રિયા આપે છે અને ભોજનમાં વધુ તાંબુ ઉમેરે છે, જે હિતાવહ નથી. પિત્તળના પાત્રમાં ભોજન આરોગવું બરાબર છે, પણ પિત્તળના પાત્રમાં રસોઇ બનાવવી ઉચિત નથી.
તાંબાની ઊણપ ભાગ્યે જ જોવા મળે છે. જોકે, જો આ ઊણપ સર્જાય, તો તેનાં લક્ષણો નીચે મુજબનાં હોય છેઃ
- થાક અને કમજોરી
- બરડ હાડકાં
- નબળી યાદશક્તિ
- ચાલવામાં મુશ્કેલીનો અનુભવ થવો
- ત્વચા ફિક્કી થઇ જવી
- અકાળે વાળ સફેદ થવા
- દ્રષ્ટિ ઝાંખી થવી
તાંબાનાં વાસણો ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરતી વખતે બેક્ટેરિયાનો અસરકારક રીતે સામનો કરે છે. શરીર માટે 100 મિગ્રા કરતાં ઓછું તાંબુ પૂરતું છે, જે સાધારણ આહારમાંથી મળી રહે છે. યકૃત એ તાંબાની ચયાપચય ક્રિયા માટેનું કેન્દ્ર છે. તે લાલ રક્તકણોનું ઉત્પાદન કરવામાં મદદરૂપ બને છે. તાંબુ હાડકાં, રક્ત વાહિનીઓ, ચેતાતંતુઓ અને રોગપ્રતિકારક કામગીરી માટે ઉપયોગી છે અને આયર્ન શોષવામાં પણ યોગદાન આપે છે. સૂકો મેવો, બીજ, મશરૂમ, યકૃત (માંસ) વગેરેમાંથી સારા એવા પ્રમાણમાં તાંબુ મળી રહે છે.