- કોવિડ-19 માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસનું બદલાતું રુપ
- વાયરસનું આનુવંશિક મટિરિયલ આકાર અને માળખું બદલે છે
- આ શોધ વધુ અસરકાર દવાઓના ઉત્પાદનમાં મદદરુપ બનશે
કોવિડ-19નું કારણ બનનારો વાયરસ સાર્સ-કોવ-2નું આનુવંશિક મટિરિયલ તેના અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે આકાર અને માળખું બદલી શકે છે. સંશોધકોનું કહેવું છે કે આ શોધ ચેપી રોગોની સારવાર માટે વધુ અસરકારક દવાઓના ઉત્પાદનમાં મદદ કરી શકે છે. સ્ટ્રેટ ટાઇમ્સે જણાવ્યું કે, ડ્યૂક-એનયુએસ મેડિકલ સ્કૂલ, જીનોમ ઇન્સ્ટિટ્યુટ ઑફ સિંગાપુર (જીઆઈએસ) અને બાયોઇનફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યુટ (બીઆઈઆઈ)ના રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલી સ્ટડીથી જાણવા મળ્યું છે કે વાયરસનું રાઇબોન્યૂક્લિકએસિડ (આરએનએ) પોતાના વિકાસ અને અસ્તિત્વ માટે સંક્રમિત કોષોની અંદર જટિલ અને ગતિશીલ આકારમાં ફેરવાઈ શકે છે.
આરએનએને નિશાન બનાવતી દવાઓ માટે તેના આકાર મહત્વના
ટીમે એ પણ શોધ્યું કે વાયરસ આરએનએ માનવ કોષોના આરએનએની સાથે સંપર્ક કરી શકે છે જેથી આનો ઉપયોગ પોતાના અસ્તિત્વ માટે કરી શકાય. આરએનએ જીનોમિક્સ એન્ડ સ્ટ્રક્ચરની લેબ પ્રમાણે ગ્રુપના નેતા ડૉ. વાન યૂએ કહ્યું કે, "માનવ કોષોની અંદર વાયરસના આકારને સમજવા ઉપરાંત અત્યારના કામથી એ પણ જાણવા મળ્યું છે કે આરએનએને નિશાન બનાવતી દવાઓ માટે તેના આકાર પણ ઘણા મહત્વના છે, જેણે આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અમને પ્રેરિત કર્યા. "
નેચર કૉમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયાં તારણ
આ તારણ વૈજ્ઞાનિક પત્રિકા નેચર કૉમ્યુનિકેશન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જ્યારે એન્ટિબોડીઝ વાયરસના પ્રોટીન અને તેના જીનોમ સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તે અંગે ઘણું સંશોધન થયું છે, ત્યારે કોષને ચેપ લાગ્યા પછી વાયરસ માનવ આરએનએ સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તે વિશે ઓછી જાણકારી છે.