ઘરકંકાસનો કરુણ અંજામઃ પત્ની સાથે ઝઘડો થતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - Gujarat
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે ઘરકંકાસમાં પત્ની સાથે ઝઘડો થતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેને લઇને આસપાસના વિસ્તારમાં સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે.
કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે વિજય ફળિયામાં રહેતા વિશાલ શંકરભાઈ પટેલ શનિવારે મોડી સાંજે તેમની પત્ની સાથે કોઈ બાબતને લઈને ઉગ્ર વિવાદ થયો હતો. જેને લઇને બંને વચ્ચે થયેલી બોલાચાલી બાદ તેઓએ મોડીરાત્રે ઘરની નજીકમાં આવેલા એક લીમડાના ઝાડની ડાળી સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બાબતની જાણકારી રવિવારે વહેલી સવારે તેમના પરિવારજનોને થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ નાનાપોંઢા મથકને જાણ કરતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
નાનાપોંઢા પોલીસ સ્થળ પર પહોંચીને મૃતકની લીમડાના ઝાડ સાથે લટકેલી બોડી નીચે ઉતારી પોસ્ટમોર્ટમમાટે નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં રવાના કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર બાબતે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.