વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ તો સર્જાઈ છે, સાથે સાથે જીલ્લા કક્ષાએ આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં પણ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. એપ્રિલ માસ શરૂ થતાની સાથે વલસાડ જિલ્લામાં આવેલી જૂની કલેકટર બિલ્ડીંગમાં આવેલા વિવિધ સરકારી વિભાગોમાં તેમજ તેની પાછળ આવેલી છ માળની બહુમાળી બિલ્ડિંગમાં 15 થી 20 જેટલા વિવિધ વિભાગોની કચેરીઓ આવેલી છે આ કચેરીઓમાં એક અંદાજ મુજબ બે હજારથી વધુ સરકારી કર્મચારીઓ કામ કરે છે. આ ઉપરાંત, રોજિંદા કામકાજ માટે ઘણી 3થી 4 હજાર લોકો જે તે કચેરીની મુલાકાતે આવતા હોય છે.
વલસાડની સરકારી કચેરીમાં જ પાણીની વિકટ સમસ્યા! - GOVERNMENT
વલસાડ: ઉનાળો શરૂ થતાની સાથે જ વલસાડ જિલ્લામાં અનેક સ્થળો ઉપર પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે, ત્યારે આ સમસ્યાથી વલસાડ શહેરની સરકારી કચેરીઓ પણ બાકી રહી નથી. વલસાડ શહેરમાં આવેલી જૂની કલેકટર બિલ્ડીંગ અને બહુમાળી બિલ્ડીંગમાં આવેલી 15થી વધુ વિવિધ વિભાગની કચેરીઓમાં મુલાકાતે આવતા લોકો અને કામ કરતાં કર્મચારીઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. જો કે, વૈકલ્પિક રીતે છેલ્લા એક મહિનાથી ટ્રેલર દ્વારા પાણી લાવી સંપ હાઉસમાં રાખવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ એટલું પાણી પર્યાપ્ત નથી.
કચેરીમાં આવતા લોકો અને અહીં કામ કરનારા લોકો માટે પ્રાથમિક જરુરિયાત એવા પીવાના પાણીની તંગી સર્જાઇ રહી છે. જેને પહોંચી વળવા માટે હાલ સરકારી તંત્ર ટેલર દ્વારા વૈકલ્પિક રીતે પાણી લાવી બંને કચેરીની વચ્ચે આવેલા વોટર વર્કસ અને સંપ હાઉસમાં પાણી પહોંચાડી રહ્યું છે. રોજિંદા 4 ટ્રેલર જેટલું પાણી અહીં નાખવામાં આવે છે, પરંતુ તે પણ આ કચેરીઓના કર્મચારીઓ માટે પૂરતું નથી. એક ટ્રેલરમાં અંદાજિત 4000 લીટર જેટલું પાણી લાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સંપ હાઉસની નજીકમાં એક હેન્ડપંપ મૂકવામાં આવ્યો છે. અહીં નજીક કરવામાં આવેલા બોરમાં એપ્રિલ માસ શરૂ થતાની સાથે પાણી ખૂટી પડે છે. જેના કારણે આ તમામ કચેરીઓમાં પીવાનું પાણી મળી શકતું નથી અને લોકોની તરસ છુપાવવા માટે સરકારી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રુપે પાણી લાવવામાં આવી રહ્યું છે.