- ઉમરગામ નગરપાલિકાનું અને તાલુકા પંચાયતનું મતદાન સંપન્ન
- 5 વાગ્યા સુધીમાં ઉમરગામ નગરપાલિકામાં 63.62 ટકા મતદાન
- વાપી તાલુકા પંચાયતમાં 5 વાગ્યા સુધીમાં 58.02 ટકા મતદાન
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને વાપી તાલુકા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો. 28 ફેબ્રુઆરીએ યોજાયેલ મતદાનમાં ઉમરગામ નગરપાલિકામાં સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજીત 65.41 ટકા, ઉમરગામ તાલુકા પંચાયતમાં અંદાજીત 60.06 ટકા અને વાપી તાલુકા પંચાયતમાં અંદાજીત 58.02 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા દરમ્યાન ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં EVM ક્રમાંકને લઈને ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ, તાલુકા પંચાયતની નારગોલ બેઠક પર મતદારોએ 12 વાગ્યા સુધી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ
વલસાડ જિલ્લાના કુલ 6 તાલુકા, ઉમરગામ નગરપાલિકા અને વલસાડ જિલ્લા પંચાયતમાં 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતના મતદાનમાં વાપી તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 5 બિનહરીફ થઈ હતી. તેમજ, 15 બેઠક માટે મતદાન થયું હતું. આ મતદાનમાં 32 ઉમેદવારો મેદાનમાં હતાં. જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થયા બાદ 3 બેઠકો પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે યોજાયેલ મતદાનમાં વાપી તાલુકામાં સાંજના 5 વાગ્યા સુધીમાં 58.02 ટકા મતદાન નોંધાયું હતું. વાપી તાલુકાના કુલ 66,064 મતદારો પૈકી 38,332 મતદારોએ મતદાન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન ઉમરગામ તાલુકા પંચાયતમાં 60.11 ટકા થયું
ઉમરગામ તાલુકા પંચાયતમાં કુલ 30 બેઠક માટે યોજાયેલ મતદાનમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 60.11 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ તાલુકા પંચાયતના 1,97,549 મતદારો પૈકી 1,18,739 મતદારોએ મતદાન કર્યું હતું. 30 તાલુકા પંચાયતની બેઠક માટે 73 ઉમેદવારો મેદાનમાં હતાં. જ્યારે, જિલ્લા પંચાયતની 8 બેઠક માટે 18 ઉમેદવારો મેદાનમાં છે. ઉમરગામ તાલુકા પંચાયતની 30 સીટ માટેની ચૂંટણીમાં ભાજપના 30, કોંગ્રેસના 30 ઉમેદવારો ઉપરાંત આ વખતે ભીલીસ્તાન ટાઇગર સેનાના 5 ઉમેદવારો અને અપક્ષના 8 ઉમેદવારો મેદાનમાં છે.
ઉમરગામ નગરપાલિકામાં મતદારોએ બતાવ્યો ઉત્સાહ
ઉમરગામ નગરપાલિકામાં સાંજના 5 વાગ્યા સુધીમાં 63.62 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થયા બાદ 27 બેઠકો પર કુલ 71 ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપના 27, કોંગ્રેસના 20, BSP ના 4, રાષ્ટ્રીય ચેતના પાર્ટીના 4, આપ પાર્ટીના 1 સહિત 15 અપક્ષ ઉમેદવારો માટે નગરપાલિકાના કુલ 21979 મતદારો પૈકી 13983 મતદારોએ મતદાન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
મતદાન પ્રક્રિયા દરમ્યાન ઉમરગામ તાલુકા પંચાયતની નારગોલ બેઠક પર બુથ નંબર 1માં માછી સમાજ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જો કે, 12 વાગ્યા આસપાસ પોલીસે સ્થાનિક લોકોને સમજાવી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આપ પાર્ટીના 1 ઉમેદવાર અને BSP ના 4 ઉમેદવારોનો EVM ક્રમાંક બદલાઈ ગયો હોવાના આક્ષેપ સાથે રિપોલીંગની માંગ કરી હતી. જો કે, સાંજ સુધીમાં તે બાદ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું મતદાન EVMને સિલ કરી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત કર્યા
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે વોર્ડ નંબર 6માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ EVMને સિલ કરી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ BRC શાળા ખાતે તૈયાર કરેલ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા સલામતી સાથે રાખવામાં આવ્યા છે. જે હવે 2જી માર્ચે મતગણતરીના દિવસે બહાર કાઢી તમામ EVMમાં સંગ્રહિત મતની ગણતરી કરવામાં આવશે. હાલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે સરેરાશ મતદાન થતા દરેક પક્ષ-અપક્ષે પોતાની જીતનું ગણિત લગાવી વિજયની આશા સેવી છે.
વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન